Gujarat Mushroom Farming : ચાર મિત્રોએ ભેગા મળી પરંપરાગત ખેતીથી અલગ માર્ગ અપનાવી મશરૂમની ખેતી શરૂ કરી છે અને ખૂબ જ ઓછા સમયમાં સારું પ્રોફિટ પણ હાંસલ કર્યું.
Gujarat Mushroom Farming : આજના યુવાનોની વિચારસરણી અને જીવન જીવવાની રીત ઝડપી ગતિએ બદલાઈ રહી છે. જ્યાં પહેલાં યુવાનોનો મુખ્ય હેતુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી કે ખાનગી નોકરી મેળવવાનો હોતો ત્યાં હવે અનેક યુવાનો નોકરીની જગ્યાએ પોતાનો આધુનિક વ્યવસાય શરૂ કરી રહ્યા છે. ઈ-કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ, ટેક્નોલોજી સર્વિસ, ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં યુવાનો નવી તક શોધી સફળતાની નવી ઉંચાઈ સર કરી રહ્યા છે.
આ જ દિશામાં ભાવનગર જિલ્લાના શિહોર શહેરના ચાર યુવાન મિત્રો માનસ કુકડીયા, પ્રેરક કુકડીયા, મિહિર ભડીયાદરા અને ક્રિશ કુકડીયાએ સાથે મળી આધુનિક ખેતીનો એક અનોખો પ્રયાસ કર્યો છે. તેમણે પરંપરાગત ખેતીથી અલગ માર્ગ અપનાવી મશરૂમની ખેતી શરૂ કરી છે અને ખૂબ જ ઓછા સમયમાં સારું પ્રોફિટ પણ હાંસલ કર્યું છે.
વિદેશથી મળેલી પ્રેરણા :
માનસ કુકડીયા વિદેશમાં હોર્ટિકલ્ચર અને મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમિયાન તેમણે જોયું કે, વિદેશમાં મશરૂમ અને અન્ય ફૂડ પ્રોડક્ટ્સના પાવડર રૂપે ઉપયોગ થાય છે અને તેની ભારે માંગ છે. પરંતુ ભારતમાં મશરૂમની ખેતી હજુ શરૂઆતના સ્તરે છે. ત્યાંથી તેમને વિચાર આવ્યો કે, વતનમાં આવી ખેતી શરૂ કરી શકાય. પરત આવ્યા બાદ તેમણે પોતાના મિત્રો સાથે ચર્ચા કરી અને સૌએ સાથે મળી મશરૂમ ફાર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો.
એક રૂમથી શરૂ થયો મોટો પ્રયાસ
આ ચારેય મિત્રોએ એક રૂમમાં આધુનિક ટેક્નિકથી મશરૂમ ઉત્પાદન માટેનો પ્લાન્ટ તૈયાર કર્યો. આ પ્લાન્ટ બનાવવા માટે આશરે ₹2,10,000 જેટલો ખર્ચ થયો. હાલમાં તેમણે 500 જેટલી મશરૂમની બેગ તૈયાર કરી છે. પ્રથમ ચક્રમાં જ તેમને ₹2,50,000 સુધીની આવક મળી છે, જે તેમની મહેનત અને નવી વિચારસરણીનો પુરાવો છે.
તાપમાન અને કાળજીનું મહત્વ
ક્રિશ કુકડીયાના જણાવ્યા અનુસાર મશરૂમની ખેતીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત ટેમ્પરેચર કંટ્રોલ છે. આ ખેતી માટે રૂમનું તાપમાન 25°C થી 30°C વચ્ચે રહેવું જરૂરી છે. તેમજ બ્લેક ફંગસ અથવા અન્ય ફંગલ ઇન્ફેક્શન ન થાય તે માટે દરરોજ થેલીઓનું નિરીક્ષણ કરવું ફરજિયાત છે. સામાન્ય રીતે મશરૂમની થેલી તૈયાર કર્યા પછી 15 થી 20 દિવસમાં પ્રોસેસિંગ શરૂ થાય છે.
રોજગારીની નવી તક
આ ચાર મિત્રોનો પ્રયાસ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. મશરૂમની ખેતી એક એવું ક્ષેત્ર છે જ્યાં ઓછા ખર્ચે પણ સારું નફો મેળવી શકાય છે. તેઓ હાલમાં રિટેલ અને હોલસેલ બંને સ્તરે વેચાણ કરી રહ્યા છે, અને આગામી સમયમાં ઉત્પાદન વધારી મશરૂમ પાવડર અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ તરફ આગળ વધવાનું આયોજન પણ કરી રહ્યા છે.
આર્થિક સ્વતંત્રતાની દિશામાં યુવાનોનું પગલું
આ ચાર મિત્રોનો પ્રયાસ સાબિત કરે છે કે યુવાનો જો નવી દિશામાં વિચાર કરે, ટેક્નોલોજી અને કૃષિને જોડે, તો ખેતી પણ આધુનિક અને લાભદાયી બની શકે છે. મશરૂમની ખેતી માત્ર એક વ્યવસાય નહીં પરંતુ નવા યુગની કૃષિ ક્રાંતિ બની શકે છે. શિહોરના આ ચાર મિત્રોએ સાબિત કર્યું છે કે જો ઇચ્છા મજબૂત હોય અને વિચાર નવીન હોય તો ગામડાંમાંથી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકાય છે. ભાવનગરના આ યુવાનોનો પ્રયાસ અન્ય યુવાનોને પણ પોતાના ક્ષેત્રમાં કંઈક નવું કરવાનો ઉત્સાહ આપશે.
Source :
2 thoughts on “Gujarat Mushroom Farming : પ્રથમ વેચાણમાં જ અઢી લાખનો ફાયદો, ખેતીમાં ભાવનગરના 4 યુવાન મિત્રોની મહેનત રંગ લાવી”